સુરત રકતદાન કેન્દ્ર અને રિસર્સ સેન્ટર ઉજવણી

સુરત રકતદાન કેન્દ્ર અને રિસર્સ સેન્ટરની

સ્થાપનાના ૪૦ વર્ષ પૂર્ણ કર્યાની ઉજવણી

રાજયપાલશ્રી ઓમપ્રકાશ કોહલીના  હસ્તે સન્માન સમારોહ

સુરત તા.૧૩/૧૧/૨૦૧૬

     સુરત રકતદાન કેન્દ્ર અને રિસર્સ સેન્ટરની સ્થાપનાના ૪૦ વર્ષ પૂર્ણ કર્યાની ઉજવણીના ભાગરૂપે રાજયપાલશ્રી ઓમપ્રકાશ કોહલીના વરદ્દહસ્તે સંસ્થાના સ્થાપક ટ્રસ્ટીઓ તથા આર્થિક સહયોગી દાતાઓશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

     સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલા સન્માન સમારોહને સંબોધન કરતા રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે, ૪૦ વર્ષ પહેલા નાના પાયા પર શરૂ થયેલી સંસ્થા આજે વટવૃક્ષ બનીને ઉભી છે. સેવાકીય કાર્ય કરતી આ સંસ્થાને ધર્મકાર્ય સાથે સરખાવતા રાજયપાલશ્રીએ જણાવ્યું કે, ધર્મનો અર્થ જનસેવા થાય છે. સેવાથી મોટુ કોઈ ધર્મ કાર્ય નથી. મનુષ્‍યની પીડાને જાણીને સેવા કરનાર જ સાચો માનવતાવાદી હોવાનું કહ્યું હતું. કોઈ પણ કાર્યને ઉચાઇ પર લઈ જવા માટે લગન, ભાવના, ઉત્સાહ હોવો જરૂરી છે જે  સંસ્થાએ પ્રસ્થાપિત કરીને આગળ વધી રહી છે. દર્દીઓ, રોગીઓની સેવા કરતી સંસ્થાના કાર્યમાં કોઈ અવરોધ ન આવે તેવી શુભકામનાઓ રાજયપાલશ્રીએ પાઠવી હતી. 

સુરત રકતદાન કેન્દ્રની શરૂઆત ઈ.સ.૧૯૭૬માં સુરત જનરલ હોસ્પિટલ ખાતે થઈ હતી. જે ઉત્તરોત્તર પ્રગતિ કરીને આજ તેનું કાર્ય વિશાળ ફલક પર વિસ્તર્યું છે.

આ વેળાએ રાજયપાલશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે રકતદાન કેન્દ્રની સ્થાપના ૪૦ વર્ષની ગાથા દર્શાવતા ‘સોવિનિયર’નું વિમોચન કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે રાજયપાલશ્રીના હસ્તે સંસ્થાના સ્થાપક ડો.પ્રદિપ દેસાઈ તથા ડો.વિનોદ દેસાઈ તેમજ દાતાસર્વશ્રી જસમતભાઈ વિડીયા, ડો.જયા અને ડો.હરિવદન દેસાઈ, અનુભાઈ તેજાણી, આઈ.કે.દેસાઈ, પ્રવિણભાઈ જરીવાલા, પ્રશાંતભાઈ કાબરાવાલાને મોમેન્ટો, શ્રીફળ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.